વાવણીનો સમય:
જીરૂનું વાવેતર નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં જયારે મહત્તમ ઉષ્ણતામાન ૩૦° સે. હોય ત્યારે કરવું. મોડી વાવણી કરવાથી રોગ-જીવાતનો ઉપદ્રવ વધે છે,એટલું જ નહિ પરંતુ પાકને વિકાસ માટે પૂરતો સમય ન મળતાં અને પાક ટૂંકાગાળામાં પરિપકવ થવાથી ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકિય વિસ્તારમાં જીરૂનું વાવેતર ઓક્ટોબરના બીજા પખવાડીયામાં કરવાથી ભૂકીછારાનું પ્રમાણ ઓછું જોવા મળે છે અને વધુ ઉત્પાદન મળે છે.
બિયારણનો દર:
જમીનની પ્રત અને ક્ષારના પ્રમાણના આધારે હેકટર દીઠ ૧૨ કિ.ગ્રા. થી ૧૬ કિ.ગ્રા. બિયારણની જરૂરિયાત રહે છે.
બીજમાવજત:
જમીન અને બીજ જન્ય રોગના નિયંત્રણ માટે તથા સારા ઉગાવા માટે ભલામણ મુજબની દવાનો પટ આપવો.
વાવેતરઅંતર:
સામાન્ય રીતે જીરૂની વાવણી પૂંખીને કરવામાં આવે છે. પરંતુ ૩૦ સે.મી.ના અંતરે વાવણી કરવાથી બિયારણનો દર અને રોગનું પ્રમાણ ઘટાડી શકાય તથા નીંદણ નિયંત્રણમાં પણ વધારે અનુકૂળતા રહે છે. જીરૂના પાક માટે વાવણીની ઊંડાઈ ૧.૫ સે.મી. થી ૨.૦ સે.મી. રાખવી. ભાલ વિસ્તારમાં જીરૂનું વાવેતર કરતા ખેડૂતોને જીરૂનું વધુ ઉત્પાદન અને નફો મેળવવા માટે પહોળા ગાદી ક્યારા (બેડ) (૯૦ સે.મી.) અને નીક (૩૦ સે.મી.) પદ્ધતિ અપનાવી હેકટરે ૨૦ કિલોગ્રામ બિયારણનો દર રાખી પાળા ઉપર પૂંખવાની ભલામણ કરવામાં આવે છે.
ખાતર વ્યવસ્થાપન:
જીરૂ એ ટૂંકાગાળાનો તથા છીછરા મૂળવાળો પાક હોવાથી દર વર્ષે છાણિયું ખાતર આપવાની જરૂરિયાત નથી. પરંતુ વધારે રેતાળ કે ઓછી ફળદ્રુપ જમીનમાં જીરૂનો પાક લેવાનો હોય તો હેકટર દીઠ ૧૦ થી ૧૨ ટ્રેકટર ટ્રોલી સારૂ કોહવાયેલું છાણિયું ખાતર જમીન તૈયાર કરવાના સમયે આપી જમીનમાં ભેળવી દેવું. જો અગાઉના ચોમાસુ પાકમાં છાણિયું ખાતર આપેલ હોય તો જીરૂના પાકમાં આપવાની જરૂર નથી. જીરૂના પાકમાં હેક્ટરે ૩૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૧૫ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવાની ભલામણ છે. જે પૈકી ૧૫ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૧૫ કિ.ગ્રા. ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે અને બાકીનો ૧૫ કિ.ગ્રા. નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે પાક ૩૦ દિવસનો થાય ત્યારે નીંદામણ કર્યા બાદ હારમાં છોડથી દૂર આપવો. પૂર્તિ ખાતર પિયત આપ્યા બાદ જમીનમાં પગ ટકે તેવા ભેજે સાંજના સમયે આપવું જોઈએ.
પિયત વ્યવસ્થાપન:
જીરૂના પાકમાં પિયત એ ખૂબ જ જોખમી પરિબળ છે. જીરુમાં જરૂરીયાત મુજબ પિયતની વ્યવસ્થા કરવી.
આંતરખેડ અને નિંદામણ:
જીરૂની વાવણી ૩૦ સે.મી.ના અંતરે ચાસમાં કરેલી હોય તો પૂર્તિ ખાતર આપ્યા પછી આંતરખેડ કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. જીરૂના પાકનો વૃદ્ધિદર ઓછો હોવાથી નીંદણ સામે હરીફાઈમાં ટકી શકતો નથી. જેથી નીંદણને કારણે કેટલીક વાર પાક નિષ્ફળ પણ જાય છે. જીરૂના પાકને ૪૫ દિવસ સુધી નીંદણમુક્ત રાખવો ખાસ જરૂરી છે. આ માટે પ્રથમ હાથ નીંદામણ વાવણી બાદ ૨૫-૩૦ દિવસે અને બીજુ નીંદામણ જરૂરિયાત મુજબ ૪૦ દિવસે કરવું. પરંતુ, જ્યાં મજૂરોની અછત હોય અને મજૂરીના દર ઊંચા હોય ત્યાં નીંદણનાશક દવાનો ભલામણ મુજબ ઉપયોગ કરવો જોઈએ.
પાક સંરક્ષણ :
જીરુમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ
જીરુમાંઆવતી જીવાત અને તેનું નિયંત્રણ
કાપણી:
જીરૂનો પાક ૧૦૫ થી ૧૧૦ દિવસે પરિપકવ થઈ જાય છે. જીરૂની કાપણી વાનસ્પતિક દેહધાર્મિક અવસ્થાએ (૫૦ ટકાથી વધુ ચક્રો પીળાશ પડતા ભૂખરા અને દાણા ભૂખરા રંગના થાય ત્યારે) કરવી. આ અવસ્થાએ કાપણી કરવાથી મોડી કાપણીની સરખામણીએ દાણા અને ઉડ્ડયનશીલ તેલનું વધુ ઉત્પાદન મળે છે, તેમજ કાપણી વખતે દાણા ખરી પડતા અટકાવી શકાય છે. દાણા ખરી ન જાય તે માટે ઝાકળ ઉડી જાય તે પહેલાં અથવા સવારના અગિયાર વાગ્યા સુધી કાપણી કરવી. કાપણી કરેલ છોડ એકત્ર – કરી સ્વચ્છ તથા કઠણ ખળામાં લાવી બે થી ત્રણ દિવસ સુધી લાકડીની મદદથી જૂડી અથવા થ્રેસરથી દાણા છુટા પાડી ઉપણી સાફ કરવા.
સંગ્રહ:
ચારણા અથવા ગ્રેડીંગ મશીનની મદદથી મોટા દાણા, નાના દાણા, કચરો, નીંદણના બીજ તેમજ હલકા દાણા છૂટા પાડવા. દાણામાં ભેજનું પ્રમાણ ૧૦ ટકા થી વધારે ન રહે તે મુજબ દાણા સૂકવ્યા બાદ ગુણવત્તા પ્રમાણે સ્વચ્છ પોલિથિલિન કે શણના કોથળામાં પેકિંગ કરી ભેજ,ઉંદર અને જીવાત રહિત વખારમાં સંગ્રહ કરવો.
ઉત્પાદન:
જીરૂનું એવરેજ ઉત્પાદન ૯૦૦ થી ૧૦૦૦ કિલો/હેકટર મળે છે.