Chickpea Seeds

ચણા પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ

જમીન અને આબોહવા:

સારી ભેજ સંગ્રહ શકિત ધરાવતી, કાળી અથવા મધ્યમ કાળી કાંપવાળી જમીનમાં ચણા ખૂબજ સારા થાય છે. આમ છતાં ગોરાડુ અને રેતાળ જમીનમાં પણ આ પાક વાવી શકાય છે. જયાં ખારા ભૂગર્ભજળનું સ્તર બહુ ઊંચું ન હોય અને જમીન ખારી ન હોય ત્યાં ચણા સારા થાય છે.ચણા એ ઠંડી અને સૂકી પરિસ્થિતીમાં થતો પાક છે, જે પાણીની ખેંચ અને ઓછી માવજત સામે પણ ટકી શકે છે. દિવસની લંબાઈ અને ઉષ્ણતામાનની સ્થિતી પરથી આ પાકની અવધિ નકકી થાય છે. જેની ઉત્પાદન પર પ્રબળ અસર પડે છે. ગુજરાત જેવા પ્રદેશો કે જયાં ઠંડીનું પ્રમાણ અને ઠંડીના દિવસો ઓછા છે, ત્યાં સાડા ત્રણ થી ચાર મહિનામાં પાકી જતો આ પાક ઉતરપ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવાં રાજયોમાં વધારે સમય લે છે. પાક ઉત્પાદનનો આધાર પાકવાના દિવસો પર અવલંબે છે. સુકી અને ઠંડી આબોહવામાં થતા ચણા હિમ સહન કરી શકતા નથી. વાવણી વખતે ર૫૦ થી ૩૦૦ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન અનુકુળ છે. જો માવઠું કે વાદળવાળું હવામાન હોય તો નુકશાન થાય છે. મોસમ દરમ્યાન પુરતી ઠંડી ન પડે કે ગરમી વધી જાય તો ઉત્પાદન પર અવળી અસર પડે છે.

જમીનનીતૈયારી :

જમીનમાં જરૂરીયાત મુજબ ખેડ કરી અને સમાર મારી જમીન તૈયાર કરવી.

જાતોની પસંદગી :દેશી ચણાની જાતો:

ગુજરાત જૂનાગઢ ચણા – ૩, ગુજરાત ચણા – પ, ગુજરાત જૂનાગઢ ચણા – ૬, કાબુલી ચણાની જાતો : ગુજરાત કાબુલી ચણા – ૧
Responsive Gujarati Table
અ.નં. ગુણધર્મો જીજેજી-૩ જીજી-૫ જીજેજી-૬ જીજી -૭ જીજી-૮ જીકેજી-૧ જીકેજી-૨ અક્ષર અક્ષર- KABULI2
બહાર પાડ્યાનું વર્ષ ૨૦૦૮ ૨૦૧૪ ૨૦૧૫ ૨૦૨૧ ૨૦૨૩ ૨૦૨૧ ૨૦૨૩
જાતનો પ્રકાર બિનપિયત પિયત બિનપિયત પિયત અને બિનપિયત પિયત અને બિનપિયત પિયત અને બિનપિયત પિયત પિયત અને બિનપિયત પિયત
પાકવાના દિવસો ૯૮ થી ૧૦૦ ૧૦૦ થી ૧૦૩ ૧૧૦ થી ૧૧૨ ૮૦ થી ૧૧૧ ૯૫ થી ૧૧૭ ૯૩ થી ૧૧૭ ૧૦૨ થી ૧૧૯ ૯૮ થી ૧૦૦ ૧૦૦ થી ૧૧૦
છોડની ઉંચાઈ (સે.મી.) ૩૫ થી ૪૦ ૪૮ થી ૫૨ ૪૫ થી ૫૦ ૩૭ થી ૮૦ ૪૬ થી ૭૮ ૪૦ થી ૮૦ ૫૧ થી ૭૯ ૩૫ થી ૪૦ ૪૦ થી ૮૦
પોપટાની સંખ્યા ૩૫ થી ૪૦ ૫૦ થી ૬૫ ૩૫ થી ૪૦ ૨૪ થી ૬૯ ૩૩ થી ૧૧૩ ૧૭ થી ૭૦ ૨૯ થી ૭૧ ૪૦ થી 45 ૧૭ થી ૭૦
૧૦૦ દાણાનું વજન (ગ્રામ) ૨૨ થી ૨૪ ૨૦ થી ૨૨ ૨૧ થી ૨૩ ૨૪.૭ થી ૩૦.૭ ૧૭.૭ થી ૨૩.૧ ૪૦.૭ થી ૪૯.૯ ૩૧.૩ થી ૪૨.૭ ૨૨ થી ૨૫ ૫૦ થી ૮૫
દાણાનો રંગ પીળો કથ્થાઇ ઘાટો કથ્થાઇ પીળાશ પડતો આછો કથ્થાઈ આછો કથ્થાઈ સફેદ સફેદ પીળો સફેદ
ઉત્પાદન (કિ.ગ્રા./હે.) - પિયત ૧૫૦૦ થી ૧૬૦૦ ૨૫૦૦ થી ૨૭૦૦ - - ૨૮૧૪ ૨૦૦૦ થી ૨૫૦૦ ૨૧૦૦ થી ૨૫૦૦ ૨૪૦૦ થી ૨૭૦૦ ૧૮૦૦ થી ૩૦૦૦
ઉત્પાદન (કિ.ગ્રા./હે.) - બિનપિયત - ૧૮૦૦ થી ૨૦૦૦ ૧૬૦૦ થી ૨૬૦૦ ૨૦૧૭ ૧૨૦૦ થી ૧૪૦૦ - ૨૦૦૦ થી ૨૨૦૦ -

બિયારણનો દર:દેશી ચણા :

૬૦ – ૭૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર, કાબુલી ચણા : ૧૦૦ – ૧૨૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર.

બીજમાવજત:

ભલામણ મુજબની દવાનો બીજને પટ આપવો. બીયારણને પટ આપવાનો હોય તો પ્રથમ ફુગનાશક દવાનો પટ આપવો પછી જંતુનાશક દવાનો પટ આપવો અને છેલ્લે ર કલાક બાદ રાઈઝોબીયમ કલ્ચરનો પટ આપવો.

વાવણીનો સમય:પિયત :

૧પ ઓકટોબર થી ૧પ નવેમ્બર સુધી, બિનપિયત : ઓકટોબરના છેલ્લા અઠવાડિયાથી વાવેતરઅંતર:પિયત : ૪૫ x ૧૦ સે.મી., બિનપિયત : ૩૦ x ૧૦ સે.મી

ખાતર વ્યવસ્થાપન:

જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૮ થી ૧૦ ટન સારૂ કોહવાયેલું છાણીયું ખાતર આપવું. જયારે રસાયણિક ખાતરમાં પાયાના ખાતર તરીકે હેકટરે ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવું. જો સલ્ફરની ઉણપ હોય તો ભલામણ મુજબ સલ્ફર પાયાના ખાતર તરીકે આપવું.

આંતરખેડ અને નિંદામણ:

ચણાના પાકને જરૂરીયાત મુજબ ૨ થી ૩ વખત હાથથી નિંદામણ અને આંતરખેડ કરવી. જો ખેતમજુરોની અછત હોય તો રાસાયણિક નિયંત્રણ માટે વાવેતર બાદ તુરત એટલે કે ચણા ઉગતા પહેલાં ભલામણ મુજબની રાસાયણિક દવાનો છંટકાવ કરી નિંદામણ નિયંત્રણ કરી શકાય છે.

પિયત વ્યવસ્થાપન:

ઘેડ અને ભાલ ઉપરાંત ચરોતરની કયારીની જમીનમાં ચોમાસા બાદ જે ભેજ સંગ્રહાયેલો હોય છે, તેનો ઉપયોગ કરીને જ બિનપિયત ચણા લેવામાં આવે છે. જયારે પિયત ચણામાં પ્રથમ પિયત વાવેતર બાદ તુરંત અને બીજુ પિયત ૬ થી ૭ દિવસે આપ્યા બાદ પાકની કટોકટીની અવસ્થાઓ જેવી કે ડાળીઓ ફુટવી, ફૂલ આવવા, પોપટા આવવા અને દાણા ભરાતી વખતે જરૂરીયાત મુજબ જમીનના પ્રકાર મુજબ આપી શકાય.

પાક સંરક્ષણ :

ચણામાં આવતા રોગો અને તેનું નિયંત્રણ

ક્રમ રોગનું નામ નિયંત્રણ
ચણાનો સૂકારો (વીલ્ટ) રોગ આવતો અટકાવવા માટે રોગ પ્રતિકારક જાતો જેવી કે ગુજરાત ચણા-૫, ગુજરાત જૂનાગઢ ચણા-૬ જેવી જાતોનું બિયારણ વાવવું. વાવતા પહેલા ફુગનાશક દવાનો પટ આપવો. દર વખતે એક જ જગ્યાએ ચણા ન વાવવા. જૈવિક નિયંત્રણ માટે ટ્રાઇકોડર્મા હારજીયાનમને એરંડીનો ખોળ અથવા છાણીયા ખાતરમાં ભેળવી વાવેતર વખતે ચાસમાં આપવાથી રોગ આવતો અટકે છે.
ચણાનો સ્ટન્ટ સ્ટન્ટ વાયરસથી થતો અને મોલોમશીથી ફેલાતો રોગ છે. મોલોમશીના નિયંત્રણ માટે ભલામણ મુજબની શોષક પ્રકારની રાસાયણિક દવા છાંટવાથી સ્ટન્ટ રોગ ફેલાતો અટકે છે.
મૂળનો કોહવારો પાકની વાવણી કરતાં પહેલાં દિવેલીનો ખોળ ૧૦૦૦ કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે જમીનમાં આપવો. ચણાની સુધારેલી જાતો જેવી કે ગુજરાત જૂનાગઢ ચણા-૩, ગુજરાત ચણા-૫, ગુજરાત જૂનાગઢ ચણા-૬ નું વાવેતર કરવું. ચણાના બીજને ભલામણ મુજબની રાસાયણિક દવાની બીજ માવજત આપીને વાવેતર કરવું, તેમજ પાકની ફેરબદલી કરવી. ઠંડીની શરૂઆત થાય પછી જ વાવેતર કરવું હિતાવહ છે.

ચણામાં આવતી જીવાત અને તેનું નિયંત્રણ

ક્રમ જીવાતનું નામ નિયંત્રણ
ચૂસીયાં પ્રકારની જીવાત ચણાના પાકમાં મુખ્યત્વે થ્રિપ્સ, તડતડીયાં અને મોલોમશી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે. જીવાતોના નિયંત્રણ માટે શરૂઆતમાં ઉપદ્રવ ઓછો હોય ત્યારે ભલામણ પ્રમાણે લીંબોળીના બીજનો અર્ક અથવા લીંબોળીનું તેલ પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ભલામણ મુજબની શોષક પ્રકારની કીટનાશક છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ થઈ શકે છે.
પોપટા કોરી ખાનાર લીલી ઈયળ ચણામાં મુખ્યત્વે લીલી ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે. જે પાન, કૂણી, કૂપણો અને પોપટા કોરી ખાય છે. જેના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે ભલામણ મુજબની રાસાયણિક દવાનો છંટકાવ કરવો. પ્રથમ છંટકાવ પાકની ૫૦ ટકા ફુલ અવસ્થાએ અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૫ દિવસ બાદ કરવો. આ ઉપરાંત હેક્ટરે ૬ ફેરોમોન ટ્રેપ મુકવાથી પણ આ જીવાતનું અસરકારક નિયંત્રણ થાય છે. તેમજ વારા ફરતી લીંબોળીના મીજના પાવડરનો અર્ક, બેસીલસ થુરેન્જીનેસીસ અથવા હેક્ટરે એન.પી.વી.ના દ્રાવણનો છંટકાવ કરવાથી પણ આ જીવાતનું અસરકારક નિયંત્રણ થાય છે.

કાપણી:

પરીપકવતા સમયે ચણાના પોપટા પીળા પડી જાય છે અને પાંદડી સુકાય જાય છે. આ વખતે ચણાની કાપણી શકય હોય તો સવારના સમયે કરવી. કાપણી કરેલ પાથરા ખળામાં સુકવવા. પાથરા બરાબર સુકાય જાય ત્યારે ટ્રેકટર કે બળદથી મસળવા અથવા થ્રેશરથી દાણા છુટા પાડવા

તમારા ખેતર માટે વધુ બીજો જુઓ

Inquiry from


    This will close in 20 seconds